પાર્ટીમાં 24 સાંસદોનો બળવો છતાં રાજીનામું આપવા ટ્રુડોનો ઇનકાર

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત વિરુદ્ધ પુરાવા વગરના આક્ષેપો કરનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સામે તેમની પોતાની લિબરલ પાર્ટીના 28 સાંસદો બળવો કર્યો છે અને 28 ઓક્ટોબર સુધી રાજીનામું આપવાનું ટ્રુડોને અલ્ટીમેટમ આપ્યું છે. જોકે રાજીનામાનો ઇનકાર કરતાં ટ્રુડોએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ આગામી ચૂંટણીમાં તેમની લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરશે

સાંસદોએ માગણી કરી હતી કે દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં હારના જોખમને ધ્યાનમાં લઇને ટ્રુડોએ વહેલાં રાજીનામું આપવું જોઇએ. ટ્રુડોએ બુધવારે લિબરલ પાર્ટીના સાંસદો સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં તેમના પક્ષના સાંસદોએ ટ્રુડો સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં લિબરલ પાર્ટીના બ્રિટિશ કોલંબિયાના સાંસદ પેટ્રિક વ્હીલરે આગામી વર્ષે યોજાનારી ચૂંટણી જીતવા ટ્રુડો રાજીનામું આપે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

ન્યૂફાઉન્ડલેન્ડના સાંસદ કેન મેકડોનાલ્ડે પણ ટ્રુડો સામે વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ટ્રુડોએ લોકોની વાત સાંભળવી પડશે. પક્ષના ઘણાં લોકો આગામી ચૂંટણી લડવા ઈચ્છે છે પરંતુ લિબરલ પક્ષની સતત ઘટતી લોકપ્રિયતા અને મતદારોની નારાજગીને કારણે તેઓ ગભરાટ અનુભવી રહ્યાં છે.

હાલમાં કેનેડિયન સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ કોમન્સમાં લિબરલ પક્ષના સાંસદોની સંખ્યા 153 છે. જ્યારે બહુમતિ માટે જરૂરી આંક 170 છે. ચાલુ મહિનાની શરૂઆતમાં જ લિબરલ પાર્ટીને ટેકો આપતી ખાલિસ્તાની સમર્થક શીખ સાંસદ જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)એ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેતાં ટ્રુડો સરકાર લઘુમતિમાં મુકાઈ ગઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *